સંસ્થા વિષે
કોઈપણ સમાજના ઉત્થાન માટે અનિવાર્ય પાસું એ શિક્ષણ છે. આ દેશ આઝાદ થયો એ પહેલા કે જ્યારે લોકો શિક્ષણ પ્રત્યે આટલા જાગૃત નહોતા ત્યારે આપણા સમાજના અગ્રણીઓએ પોતાની દૂરંદેશીથી, જ્ઞાતિમાં વિદ્યાના ઉત્તેજન અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ હેતુ તથા ગામડામાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ શહેરમાં શિક્ષણ મેળવવા આવે તો તેને રહેવા-જમવાની – છાત્રાલયની સુવિધા મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરી ગરવી ગુજરાતના બરડા પ્રદેશમાં શ્રી કૃષ્ણ સખા સુદામાજીની પવિત્ર ભૂમિ પોરબંદર શહેરની વચ્ચે ઈ.સ ૧૯૧૬ની ૨૦ મી એપ્રિલે અને સંવંત ૧૯૭૨ ની વસંત ઋતુમાં ચૈત્ર વદ તૃતીયાનાપવિત્ર દિવસે એક સંસ્થાનીસ્થાપનાકરી- ‘શ્રી બરડાઈ બ્રાહ્મણ વિદ્યોત્તેજક યુવક મંડળ’. આ સંસ્થાએ પોતાના આયુષ્યના ૧૧૦ વર્ષ હેમખેમ પૂર્ણ કર્યા તેનું આપણે સૌને ગૌરવ છે.
આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં મોટા ભાગનાં બરડાઈ બ્રહ્મ સમાજનાં કુટુંબો ખેતી-વાડીનાં વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેથી વસવાટ પણ ગામડામાં જ કરતાં. આપણી જ્ઞાતિના તે સમયના આગેવાનો જ્ઞાતિમાં શિક્ષણનું સ્તર ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતાં. પરંતુ આપણી જ્ઞાતિ પોરબંદર જિલ્લાનાં અલગ-અલગ ગામડાઓમાં વસવાટ કરતી હોવાથી અને ગામડામાંથી શહેરમાં અભ્યાસ કરવા માટે વાહનવ્યવહારની પૂરતી સગવડતાઓ ન હોવાના કારણે સમાજના આગેવાનોએ પોતાની આગવી સૂઝ-બૂઝનો ઉપયોગ કરી, અનેક વિઘ્નો પાર પાડી જ્ઞાતિ ઉત્કર્ષ માટે આ સંસ્થાની સ્થાપના કરી. જેના કારણે આપણી જ્ઞાતિનાં અનેક વિદ્યાર્થીઓએ આ સંસ્થામાં રહી અભ્યાસ કર્યો, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને અનેક પરિવારોએ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી જેનું ગૌરવ લેતા આપણા સૌની છાતી ગજ-ગજ ફૂલે છે. જ્ઞાતિ પોતાનું મસ્તક ઊંચું રાખીને ગૌરવ લઈ શકે તેવી વિરલ વ્યક્તિઓ આ સંસ્થાની અમૂલ્ય સહાયથી સમાજ જીવનમાં ઉપસી છે તે જ બતાવે છે કે આ સંસ્થા કેટલી મહાન છે આપણી જ્ઞાતિના ગૌરવ સમાન ગણાય તેવી આપણા સમાજની સભ્ય અને સુસંસ્કૃત વ્યક્તિઓ એક યા બીજી રીતે આ સંસ્થાની ઋણી છે. પોરબંદર પંથકમાં આપણી જ્ઞાતિ એક વિકસિત અને મજબૂત જ્ઞાતિ તરીકે આગળ આવી છે. “વિના શિક્ષણ નહી ઉદ્ધાર” નું સુત્ર આ સંસ્થાએ જ આપેલું છે. આ સુત્ર ને સાકાર કરવા માટે આપણી જ જ્ઞાતિના અનેક વ્યક્તિઓનો શારીરિક, માનસિક અને આર્થિક ફાળો રહ્યો છે. આપણે કલ્પના પણ ના કરી શકીએ તેવા ફક્ત ૧૦ રૂપિયાનાં ફાળાથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી ત્યારે પહેલી વખત જેમણે ૧૦ રૂપિયાનો ફાળો આપ્યો છે તેને અને આજ દિવસ સુધીમાં આ સંસ્થાને જેણે જેણે આર્થિક યોગદાન આપ્યું છે તેવા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરતાં હાલનાં સંચાલકો હર્ષની લાગણી અનુભવે છે. આ સંસ્થા કાયમ માટે દાતાશ્રીઓની ઋણી રહેશે.
આપણે આ સંસ્થાના ઈતિહાસ તરફ નજર કરીએ તો આ સંસ્થાના પટાંગણમાં આપણા સૌના આરાધ્ય દેવ શ્રી ઝુંડેશ્વર મહાદેવનું મંદિર તથા આપણા સૌના પરમ પૂજનીય એવા તપસ્વી સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુનું એક નાનકડું મંદિર આવેલું છે. જેની પૂજા-અર્ચના આપણી જ્ઞાતિના અનેક વિદ્યાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક કરી હશે. જેના ફળ સ્વરૂપે આપણી પાસે આજે સુવિખ્યાત ડોક્ટરો, ઈજનેરો, સાહિત્યકારો, શિક્ષણવિદો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, કંપની સેક્રેટરીઓ, સુપ્રીમ કોર્ટ સુધીના બાહોશ વકીલો, ઉદ્યોગપતિઓ છે કે જેમણે આપણી જ્ઞાતિમાં કેટલું હીર અને સત્વ છે તે જગતને બતાવી આપ્યું છે. જીવનના કોઈ પણ ક્ષેત્રે બરડાઈ બ્રાહ્મણ પાછો પડ્યો નથી તે સતત આગળ વધતો રહ્યો છે. હજુ પણ તે પ્રગતિની દિશામાં એકધારી આગેકૂચ ચાલુ જ રાખશે તેવી અમોને દૃઢ શ્રદ્ધા છે. દેશ અને વિદેશમાં વ્યાપાર ઉદ્યોગની વિકાસગાથામાં બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિના ખમીરનો પરિચય આપણને સુપેરે છે. સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે આપણી જ્ઞાતિએ પ્રગતિના પંથ પર આગે કદમ માંડીને મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. કલા, સાહિત્ય, સંગીતનો તેનો વારસો અને વૈભવ અનોખો અને અપૂર્વ છે. ચિત્રકલા, સંગીત, સાહિત્ય, સમાજ સેવા, શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો તેનો વ્યાપ ઘણો વિશાળ છે. કેટકેટલી પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ આપણી જ્ઞાતિ ધરાવે છે તેનો થોડો ઉલ્લેખ કરીએ તો તે અસ્થાને નહીં જ ગણાય. આપણી પાસે કર્મવીર અને દાનવીર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ છે. વિશ્વ ગુર્જરી અને પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર મૂર્ધન્ય સાહિત્યકાર છે. હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટ સુધી સફળ વકીલાત કરનારા બાહોશ વકીલો છે. સફળ ઓપરેશનો અને નિદાન કરનારા વિવિધ રોગોના નિષ્ણાત અને પારંગત ડોક્ટરો છે. દેશ અને વિદેશમાં માત્ર જ્ઞાતિનું જ નહીં દેશનું નામ રોશન કરનારા કાર્યદક્ષ ઈજનેરો છે. રિઝર્વ બેન્ક અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં સફળ કારકિર્દી ધરાવતા અનેક બેન્ક ઓફિસરો અને બેંક મેનેજરો છે. જીવન વીમાના ક્ષેત્રે ઝળહળતી ફતેહ પ્રાપ્ત કરનારા ડેવલપમેન્ટ ઓફિસરો અને વીમા એજન્ટો છે. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓની હરોળમાં ઊભા રહી શકે તેવા કવિરત્નો પણ છે. વાણિજ્ય અને નામા પુસ્તકોમાં ગુજરાતમાં નામ ધરાવતા લેખક,પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ પણ આપણી પાસે છે શાળા કોલેજના શ્રેષ્ઠ શિક્ષકોમાં આપણી જ્ઞાતિના સેંકડો ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને કંપની સેક્રેટરીઓ પણ જ્ઞાતિમાં છે. સિમેન્ટ અને બેરિંગ્સના કારખાનામાં પણ આપણી જ્ઞાતિના અગ્રણીઓ નામના ધરાવે છે. આવી તો અનેક યાદી આપી શકાય.જીવનના વ્યહારના વિવિધ ક્ષેત્રોમાં આપણી જ્ઞાતિના ભાઈ બહેનોએ સફળતા હાંસલ કરી છે અને શાન વધાર્યું છે. આ બધી સફળતાની પાછળ આ સંસ્થાનું એક યા બીજા પ્રકારે શૈક્ષણિક યોગદાન અમે આ તકે યાદ કરીએ છીએ.
આ સંસ્થાનો ઇતિહાસ માત્ર ભૂતકાળની ગાથા નથી પરંતુ તે આપણા સમાજની ચેતના, એકતા અને શિક્ષણ પ્રત્યેની દૃઢ નિષ્ઠાનો જીવંત પુરાવો છે. અલ્પ સાધનો, અનેક વિઘ્નો અને સમયની મર્યાદાઓ વચ્ચે પણ આપણા પૂર્વજોએ જે દીર્ઘદ્રષ્ટિ સાથે આ સંસ્થાની સ્થાપના કરી, તે દ્રષ્ટિ આજે પણ એટલી જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે. ૧૧૦ વર્ષનો લાંબો સમય પસાર થવા છતાં આ સંસ્થાએ પોતાના આત્મા, મૂલ્યો અને મૂળ હેતુને અડગ રાખ્યા છે – જે એક અસાધારણ સિદ્ધિ છે.
સમય જતાં વ્યક્તિ, પરિવાર, સમાજ, સંસ્થા બદલાતાં રહે છે. આ સંસ્થાની સ્થાપનાને ૧૧૦ વર્ષ વીતી ગયાં છે ત્યારે વર્તમાન સમયમાં આપણી જ્ઞાતિના કુટુંબોનું ગામડાઓમાંથી શહેરો તરફનું સ્થળાંતર, આપણી જ્ઞાતિની આર્થિક સ્થિતિમાં થયેલ ઉન્નતિ અને વાહન વ્યવહારની વધેલી સગવડતાઓ વગેરે કારણોને લીધે હાલમાં આ સંસ્થા જેવા છાત્રાલય આવાસની જરૂરિયાત નહિવત જેવી રહી છે. સંસ્થાની સ્થાપના જે હેતુથી થઈ છે તે બદલાતા સંજોગોને કારણે અત્યારે અપ્રસ્તુત છે. આપણી જ્ઞાતિની યશગાથા ગાતી આપણી આ સંસ્થા અડીખમ ઊભી રહે અને તેના મરામત ખર્ચ અને નિભાવ માટે સંસ્થાની આવક થોડી ઘણી પણ જળવાઈ રહે તે માટે પ્રસંગોપાત સંસ્થાની મિલકત ભાડે આપવાની આપણને ફરજ પડે છે. કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર આ વાસ્તવિકતાને સમાજ સમક્ષ મૂકવી જરૂરી છે. કડવી વાસ્તવિકતા એ છે કે અત્યારે ઝુંડેશ્વર મહાદેવનાં મંદિરમાં થતી ગોલખની આવક અને પ્રસંગોપાત થતી ભાડાની આવક માત્રથી આ સંસ્થાના રોજબરોજના ખર્ચનું નિર્વહન થઈ રહ્યું છે.
આજે ભલે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હોય, વિદ્યાર્થી નિવાસની જરૂરિયાત પહેલાં જેવી ન રહી હોય અને સંસ્થાની પ્રવૃત્તિઓ મર્યાદિત થઈ ગઈ હોય, તેમ છતાં આ સંસ્થાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાવનાત્મક મૂલ્ય પહેલાં જેટલું જ છે. આ ભવનની દરેક ઈંટ સાથે આપણા પૂર્વજોના સ્વપ્નો, ત્યાગ અને શ્રમ ચણાયેલાં છે. અહીં વસીને અભ્યાસ કરનાર અસંખ્ય વિદ્યાર્થીઓની મહેનત, શ્રદ્ધા અને સફળતાની ગાથાઓ આ દિવાલો ગાઈ રહી છે.
હાલમાં સંસ્થાની આવક મર્યાદિત હોવી અને નિભાવ ખર્ચ માટે અન્ય સ્ત્રોતો પર નિર્ભર રહેવું એક કડવી વાસ્તવિકતા છે, પરંતુ તે નિરાશાનું કારણ બનવું જોઈએ નહીં. આ પરિસ્થિતિ આપણને આત્મચિંતન અને નવસર્જન તરફ દોરી જાય છે. સમયાનુકૂલ વિચારધારા, નૂતન આયોજન અને સમાજના સહયોગથી આ સંસ્થાને શિક્ષણ, સંસ્કૃતિ, સંશોધન, સમાજસેવા અને માર્ગદર્શન માટેના કેન્દ્ર તરીકે ફરીથી સક્રિય અને વિકસિત કરી શકાય.
આ તકે આપણી જ્ઞાતિના તમામ દાતાશ્રીઓ, આગેવાનો, સંચાલકો અને મૌન સહયોગ આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમના ત્યાગ અને દાનથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી અને ટકી રહી. તેમનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી. તેમ છતાં તેમના સપનાઓને જીવંત રાખવા માટે એકતા, સમર્પણ અને સક્રિય ભાગીદારી એ જ એકમાત્ર ઉપાય છે
અંતે એટલું જ કહેવું છે કે આ સંસ્થા આપણાં ગૌરવભર્યા ભૂતકાળ અને આશાભર્યા ભવિષ્ય વચ્ચેનો સેતુ છે. જો
આપણે સૌ સાથે મળીને તેની જવાબદારી સ્વીકારીશું તો નિશ્ચિતપણે આ સંસ્થા ફરી એક વખત સમાજના ઉત્કર્ષની
દિવડાડી બનીને નવી પેઢીઓને વર્ષો સુધી દિશાસૂચન આપશે. “વિના શિક્ષણ નહીં ઉદ્ધાર”ના સૂત્રને હૃદયમાં
ઉતારી, જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા સાથે આપ સૌ સાથે મળી સંસ્થાના
નવસર્જન માટે પ્રતિબદ્ધ બનીએ તે જ અપેક્ષા સાથે
આપ સૌ ને જય શ્રીકૃષ્ણ......
હાલની કાર્યકારી સમિતિ
સફળતા પાછળની અમારી સમિતિ
શ્રી શૈલેશભાઈ પી. જોશી (Shaileshbhai P. Joshi)
પ્રમુખ
શ્રી ધવલભાઈ જે. જોષી (Dhavalbhai J. Joshi)
ઉપ પ્રમુખ
શ્રી અનિલભાઈ આર. બાપોદરા (Anilbhai R. Bapodra)
માનદ મંત્રી
શ્રીમતી વનીતાબેન આર. થાનકી (Smt. Vanitaben R. Sthanakiya)
ખજાનચી
શ્રી ચેતનભાઈ પી. જોષી (Chetanbhai P. Joshi)
કારોબારી સભ્ય
શ્રી દિવ્યેશભાઈ પી. બાપોદરા (Divyeshbhai P. Bapodra)
કારોબારી સભ્ય
શ્રી મનસુખલાલ એમ. થાનકી (Mansukhlal M. Thanki)
કારોબારી સભ્ય
શ્રીમતી નિમિષાબેન એ. જોષી (Smt. Nimishaben A. Joshi)
કારોબારી સભ્ય
શ્રી ઉમેશભાઈ પી. થાનકી (Umeshbhai P. Thanki)
કારોબારી સભ્ય